રાજકોટ: વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતી પાયલ બુટાણી અને તેની ગેંગના સભ્યો ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. ‘રાજકોટમાં રહેવું હોય તો રૂપિયા દોઢ લાખ આપવા પડશે’ તેવી ધમકી બે યુવતીઓને પાયલ અને તેની ગેંગે આપી હતી. જેને લઈને બંને યુવતીઓએ પોલીસ કમિશનર કચેરી સામે ફિનાઇલ પી લેતાં બંનેને સારવાર માટે સિવિલ હોિસ્પટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બંનેની હાલત સ્થિર હોવાનું સિવિલ હોિસ્પટલના મેડિકલ સૂત્રોએ જણાવ્યું હતું.
ક્રિસ્ટલ મોલ પાછળ રહેતી હતી બંને યુવતીઓ, પોલીસ તપાસ હાથ ધરી
ક્રિસ્ટલ મોલ પાછળ આવેલા એક કોમ્પ્લેક્સના ફ્લેટમાં રહેતી ગાયત્રીબા પરમાર અને જંગલેશ્વરમાં રહેતી રેશ્મા કાદરી નામની બે યુવતીઓ મંગળવારે રાત્રિના 8.30 કલાક આસપાસ પોલીસ કમિશનર કચેરી પાસે પહોંચી હતી. બંનેએ રોડ પર ફિનાઇલ ગટગટાવી લેતાં સિવિલ હોિસ્પટલ ખસેડવામાં આવી હતી. ગાયત્રીબા પરમાર અને રેશ્મા કાદરીએ પાયલ બુટાણી તેમજ તેની ગેંગના સભ્યો ચેતન ગોંડલિયા, અંકિત શાહ અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા ઉર્ફે લાલાના ત્રાસથી ફિનાઇલ પીધાનું પ્રદ્યુમ્નનગર પોલીસમથકના અધિકારીને જણાવ્યું હતું.
ફોન પર મળતી હતી ધમકી
બંને યુવતીએ પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાયલ અને તેના સાગરીતો છેલ્લા કેટલાક સમયથી ફોન પર ધમકી આપીને ‘જો રાજકોટમાં રહેવું હોય તો રૂપિયા દોઢ લાખ આપવા પડશે.’ તેમ કહીને ત્રાસ આપતા હતા. આથી આખરે કંટાળી જઇને ફિનાઇલ પી લીધું હતું. પોલીસે બંને યુવતીના નિવેદનના આધારે પાયલ અને તેના ત્રણ સાગરીતો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ચાંદની થકી બંને યુવતી પાયલ બુટાણીના સંપર્કમાં આવી હતી
ગાયત્રીઅને રેશ્માએ પોલીસને જણાવ્યું હતું કે, ચાંદની નામની યુવતી થકી બંને પાયલ બુટાણીના સંપર્કમાં આવી હતી. જો કે પાયલ અવાર-નવાર ધમકીઓ આપતી હતી અને તેના સાગરિતો પણ ફોન કરીને દબડાવતા હતા કે રાજકોટમાં રહેવું હોય તો પૈસાનો બંદોબસ્ત કરવો પડશે.